વ્હાઇટ હાઉસના ગેટ સાથે કાર અથડાતાં અમેરિકામાં ખળભળાટ મચ્યો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના ગેટ સાથે કાર અથડાતાં અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના શનિવારે રાત્રે બની હોવાનું જાણવા મળે છે, જ્યાં એક વાહન વ્હાઇટ હાઉસના બહારના ગેટ સાથે અથડાઈને અથડાયું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું હતું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ આ જાણકારી આપી. યુએસ સિક્રેટ સવસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ સંકુલની બહારની પરિમિતિ પર રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે એક વાહન અથડાયું હતું અને અકસ્માત બાદ ડ્રાઇવર વાહનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

એજન્સીએ કહ્યું કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે પરંતુ વ્હાઇટ હાઉસને કોઈ ખતરો નથી. મૃતક ડ્રાઇવરની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. પોલીસે હજુ સુધી આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી. આ ડ્રાઈવર કોણ હતો અને તે કાર લઈને અચાનક વ્હાઇટ હાઉસના ગેટ પર કેવી રીતે પહોંચ્યો? ગેટ સાથે વાહનની ટક્કર અકસ્માત હતો કે અથડામણ આયોજનબદ્ધ હતી તે અંગે પોલીસ હજુ કંઈ સ્પષ્ટ કરી રહી નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકી સુરક્ષા એજન્સીએ કહ્યું કે સિક્રેટ સર્વિસ આ મામલાની તપાસ ચાલુ રાખશે. જ્યારે જીવલેણ અકસ્માત સ્થળની તપાસ વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસ વિભાગને સોંપવામાં આવશે.

રાત્રે વ્હાઇટ હાઉસના ગેટ સાથે કાર અથડાતા હોબાળો મચી ગયો છે. રાષ્ટ્રપતિ જો બિડેન તે સમયે વ્હાઇટ હાઉસમાં હતા કે બીજે ક્યાંય તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ આ ઘટનાએ અમેરિકામાં સૌથી સુરક્ષિત ગણાતા રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા છે.