ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે મેઘરાજા : ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી.

gujarat-ma-varsad
  • અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
  • 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે

આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનનાં અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી
ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઈ ગયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

ભારેથી અતિભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. 

રાજ્યના 59 તાલુકામાં મેઘમહેર
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યનાં 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલનાં જાંબુઘોડામાં 3.7 ઈંચ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં  ગોધરામાં 3.5 ઈંચ, વડોદરાનાં દેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઈંચ, ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઈંચ, સાવલી અને ઘોઘંબામાં 1.75 ઈંચ જ્યારે ધાનપુરામાં 1.5 ઈંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.