વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી મળી,સીડબ્લ્યુઆઇએ સુરક્ષાની ખાતરી આપી

એન્ટિગુઆ આઇપીએલ ૨૦૨૪ સીઝન પછી તરત જ ૧ જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી ૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. આ માટે ઘણી ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત પણ કરી દીધી છે અને ટૂર્નામેન્ટની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટ પર આતંકવાદી હુમલાનો પડછાયો છવાઈ ગયો છે અને વેસ્ટ ઈન્ડિઝને ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન હુમલાની ચેતવણી મળી છે. જોકે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝએ સુરક્ષાની ખાતરી આપી છે.

ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રો ઈસ્લામિક સ્ટેટએ સ્પોટગ ઈવેન્ટ્સ દરમિયાન હુમલા કરવાની યોજના બનાવી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા તરફથી એક વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેણે ઘણા દેશોમાં હુમલા કરવાની વાત કરી છે અને સમર્થકોને તેમાં સામેલ થવાની અપીલ કરી છે.

ટી ૨૦ વર્લ્ડ કપના સહ-યજમાન ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે આતંકવાદી હુમલાના ભય વચ્ચે સુરક્ષાની ચિંતાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ગ્રેવ્સે જણાવ્યું હતું કે, અમે યજમાન દેશ અને શહેરના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને કોઈપણ જોખમોને સંબોધવા માટે એક વ્યાપક વ્યૂહરચના સાથે આગળ વધીએ છીએ. અમે તમામ ભાગીદારોને ખાતરી આપવા માંગીએ છીએ કે ટી ૨૦ વર્લ્ડ કપમાં સામેલ દરેકની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. અમારી પાસે વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે.

કેરેબિયન મીડિયાએ ત્રિનિદાદના વડા પ્રધાન કીથ રાઉલીને ટાંકીને કહ્યું કે સુરક્ષા એજન્સીઓ મેચને જોતા કોઈપણ ખતરો સામે લડવા સક્ષમ છે. રિપોર્ટ્સ અનુસાર,આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન હુમલાની ચેતવણી બાદ બાર્બાડોસના પ્રાદેશિક સુરક્ષા અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રિપોર્ટ અનુસાર પ્રો ઈસ્લામિક સ્ટેટના નાશિર પાકિસ્તાન મીડિયા ગ્રુપ તરફથી આ ધમકી મળી છે. જૂનથી વેસ્ટ ઈન્ડિઝમાં ટી-૨૦ વર્લ્ડ કપની મેચો ઘણી જગ્યાએ રમવાની છે. બાર્બાડોસ, ગયાના, એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ વિન્સેન્ટ, સેન્ટ લુસિયા, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગો આ વૈશ્ર્વિક ટુર્નામેન્ટની મેચોની યજમાની કરવાના છે.