ટી ટવેન્ટી વિશ્વકપ પહેલા કેપ્ટન રોહિત શર્માની ફિટનેસે ટીમને ચિંતામાં મૂકી દીધી

મુંબઇ,ભારતીય ટીમ ૫ જૂનથી ટી ૨૦ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પ્રથમ મેચ ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૯ જૂને મેચ રમાવાની છે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ચાહકો ઈચ્છે છે કે આઇસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કરે. હાલમાં સમય છે, તેથી ચાહકો ઈચ્છશે કે ત્યાં સુધી ભારતીય ટીમ સંપૂર્ણ રીતે ફિટ રહે અને આગામી વર્લ્ડ કપ માટે જોરશોરથી તૈયારી કરે. પરંતુ ટીમની જાહેરાત થતા જ ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા. ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર છે કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી.

જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ઈજાનો લાંબો ઈતિહાસ છે. બુમરાહ ઈજાના કારણે ૨૦૨૨ ટી ૨૦ વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો ન હતો. તેણે એક વર્ષ બાદ ફરીથી પુનરાગમન કર્યું. દરમિયાન, ૨૦૨૩ ર્વનડે વર્લ્ડ કપની મધ્યમાં , પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને ટીમની બહાર થયો. આ પહેલા પણ તે ઈજાગ્રસ્ત થયો હતો. આથી ભારતીય ટીમ આ બંને ખેલાડીઓને લઈને ટેન્શનમાં છે કે તેઓ અનફિટ થઈ જાય. પરંતુ આ વખતે કેપ્ટન રોહિત શર્માની ફિટનેસે ટીમને ચિંતામાં મૂકી દીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર પીયૂષ ચાવલાએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ કહ્યું કે તેની પીઠમાં થોડો દુખાવો છે. વાસ્તવમાં, જ્યારે રોહિત પ્રથમ દાવમાં ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો ન હતો, ત્યારે શંકા હતી કે તેને કોઈ સમસ્યા છે. મેચ પૂરી થયા બાદ પીયૂષ ચાવલાએ પુષ્ટિ કરી હતી કે તેને પીઠમાં દુખાવો છે. પીયૂષ ચાવલાએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, કારણ કે ‘હિટમેન’ને હળવો દુખાવો થઈ રહ્યો છે. તેથી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમ દ્વારા રોહિત શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ ૧૧માંથી ૮ મેચ હારીને પહેલાથી જ બહાર થઈ ગઈ છે. આ સિવાય ટી ૨૦ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ ૪ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં, તેને આરામ કરવાની અને સંપૂર્ણ રીતે ફિટ થવાની તક મળશે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ આ સિઝનમાં ૧૧ મેચમાં ૩૨૬ રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. તે આઇપીએલ ૨૦૨૪માં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી છે.

રોહિત શર્માની પીઠની સમસ્યા જૂની છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન પણ તેને આ પીડાનો સામનો કરવો પડ્યો હતો. ધર્મશાળામાં છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે પણ તેને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તે મેદાનમાં આવ્યો ન હતો.