જ્યોર્જ શહેરમાં બાંધકામ હેઠળની ઇમારત તૂટી પડી, લગભગ ૫૯ લોકો કાટમાળ હેઠળ ફસાયા

કેપટાઉન, દક્ષિણ આફ્રિકામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માત કેપટાઉનથી ૪૦૦ કિલોમીટર દૂર આવેલા જ્યોર્જ શહેરમાં થયો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. કેટલાક અહેવાલો અનુસાર, બિલ્ડિંગનો બહુમાળી એપાર્ટમેન્ટ બ્લોક ધરાશાયી થતાં લગભગ ૫૯ લોકો કાટમાળ નીચે ફસાયા હતા. ઘટનાસ્થળેથી ૧૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જ્યોર્જની નગરપાલિકાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ઘટનાસ્થળે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેવાઓ, એમ્બ્યુલન્સ અને પોલીસ દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું છે કે આ બિલ્ડીંગ નગરપાલિકાની ઓફિસ પાસે હતી. મ્યુનિસિપાલિટી પ્રવક્તા કહે છે કે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગ લગભગ ચાર-પાંચ માળની હતી. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી અને ઈમરજન્સી સવસના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે.

દક્ષિણ આફ્રિકાની સરકાર આ બાબત પર નજર રાખી રહી છે અને સ્થળ પર સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે જરૂરી સાધનો મોકલવામાં આવ્યા છે. પ્રાંતીય સરકારના વડા એલન વિન્ડેએ જણાવ્યું હતું કે આ સમયે લોકોનો જીવ બચાવવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે, તેથી તેમના બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે જરૂરી મદદ ઈમરજન્સી ટીમોને મોકલવામાં આવી છે.