ઈસ્લામિક રાષ્ટ્રમાં હિન્દુ મંદિર : દુબઈમાં ખૂલી રહેલ ધામની ભવ્યતા એવી કે નજર નહીં હટે

  • ઈસ્લામિક રાષ્ટ્ર દુબઈમાં હિન્દુ મંદિરનું આજે ઉદ્ઘાટન
  • મંદીરના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ 
  • દુબઈના જેબલ અલી વિસ્તારમાં 80 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલુ છે મંદિર

ઈસ્લામિક રાષ્ટ્ર દુબઈમાં આજે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. દશેરાના એક દિવસ પહેલા એટલે કે આજે દુબઈના જેબલ અલી વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.  વિગતો મુજબ આ મંદિર 3 વર્ષમાં પૂર્ણ થયું છે અને તેના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ, દેવી મહાલક્ષ્મી, શ્રી કૃષ્ણ અને ગણપતિ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ છે.  

દુબઈના જેબલ અલી વિસ્તારમાં 80 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહિબ પણ રાખવામાં આવ્યો છે. મંગળવારે સાંજે આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં UAEના મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહયાન અને UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીર ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, મંદિરનો પાયો ફેબ્રુઆરી 2020માં નાખવામાં આવ્યો હતો. દાયકાઓથી ભારતીયો તેમના માટે પણ પ્રાર્થના કરવા માટે એક સ્થળ હોય તેવું સપનું જોતા હતા. 5મી ઓક્ટોબર એટલે કે, દશેરાથી મંદિર લોકો માટે ખોલવામાં આવશે. એક અહેવાલ મુજબ તેમાં તમામ ધર્મના લોકો અને અન્ય મુલાકાતીઓ આવી શકશે. સફેદ માર્બલથી બનેલા આ ભવ્ય મંદિરનું સોફ્ટ ઓપનિંગ 1 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું. તે સમયે હજારો ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. પરંતુ આજે તેનું વિધિવત ઉદ્ઘાટન થશે. મંદિરના સ્તંભો સુશોભિત છે અને છત પરથી ઘંટ લટકેલા છે. 

હાલમાં શ્રદ્ધાળુઓએ વેબસાઇટ પરથી QR કોડ આધારિત બુકિંગ સિસ્ટમ દ્વારા દર્શન માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. રિપોર્ટ અનુસાર મંદિરમાં પહેલા દિવસથી ખાસ કરીને વીકએન્ડમાં ભારે ભીડ હતી. ભીડનું સંચાલન કરવા અને સામાજિક અંતરને અનુસરવા માટે QR કોડ એપોઇન્ટમેન્ટ સાથેની સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. મુખ્ય પ્રાર્થના સભાખંડમાં જ તમામ દેવતાઓની મૂર્તિઓ છે અને મુખ્ય ગુંબજ પર 3D પ્રિન્ટેડ ગુલાબી રંગનું કમળ જોવા મળે છે.

ઓફિશિયલ વેબસાઈટ મુજબ દુબઈના આ નવા મંદિરમાં સવારે 6.30 થી 8 વાગ્યા સુધી જ દર્શન કરી શકાશે. જે મુલાકાતીઓએ 5 ઓક્ટોબર માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા એપોઇન્ટમેન્ટ લીધી છે તેઓ ગમે ત્યારે મુલાકાત લઇ શકે છે. દર કલાકે દર્શન માટે નક્કી કરાયેલા લોકોની સંખ્યા તેમને લાગુ પડશે નહીં. આ મંદિરમાં 1000-1200 લોકો આરામથી દર્શન કરી શકે છે.