રામલલ્લા ની એ બે મૂર્તિ, જેને ગર્ભગૃહમાં સ્થાન ન મળ્યું:બે શ્યામ રંગની તો એક સફેદ આરસની પ્રતિમા, ત્રણેય મૂર્તિની મંદિરમાં થશે સ્થાપના

અયોધ્યાના રામમંદિરમાં બાલક રામ, એટલે કે રામલલ્લા ને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ દરમિયાન રામમંદિર માટે બનેલી બીજી અને ત્રીજી મૂર્તિઓ પણ સામે આવી છે. બીજી મૂર્તિ સફેદ મકરાણા આરસની છે, જ્યારે ત્રીજી મૂર્તિ પણ રામલલ્લાની પ્રતિમાના રંગની એટલે કે શ્યામ રંગની છે. ત્રણેયની ઊંચાઈ 51-51 ઈંચ છે.

ત્રણેય મૂર્તિમાં ભગવાનને કમળના આસનમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેયમાં ભગવાનનું 5 વર્ષનું બાળસ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. રામલલ્લા ઉપરાંત ભગવાન રામની બંને મૂર્તિ રામમંદિરના અલગ-અલગ માળ પર સ્થાપિત કરવામાં આવશે.

ટ્રસ્ટે મંદિર માટે ભગવાન રામની 3 મૂર્તિ તૈયાર કરી હતી. એ વિવિધ કારીગરો દ્વારા વિવિધ પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી. અંતે, ટ્રસ્ટના સભ્યની સંમતિથી કર્ણાટકના શિલ્પકાર યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લા ની પ્રતિમાને ગર્ભગૃહ માટે પસંદ કરવામાં આવી હતી.

જ્યારે બીજી પ્રતિમા દક્ષિણના શિલ્પકાર ગણેશ ભટ્ટે અને ત્રીજી પ્રતિમા રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે. સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા આરસની બનેલી છે.

સૌપ્રથમ ત્રણેય પ્રતિમાઓની તસવીરો…

કર્ણાટકના પથ્થરમાંથી બનેલી આ પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર યોગીરાજે બનાવી છે. એ ગર્ભગૃહમાં બિરાજમાન છે.

આ પ્રતિમા પણ કર્ણાટકના શ્યામ રંગના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. એ શિલ્પકાર ગણેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી હતી.

આ પ્રતિમા મકરાણાના સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી છે. એને રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે.