ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, ૭ મેના રોજ ૯૩ બેઠકો પર મતદાન થશે

નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલી લોક્સભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન આગામી ૭મી મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાનને કારણે આજે એટલે કે ૫મી મેના રોજ સાંજે પાંચ વાગે ચૂંટણીનો પ્રચાર બંધ થઈ ગયો છે ત્રીજા તબક્કામાં ૭મી મેના રોજ ગુજરાતની ૨૫ સહીત ૧૨ રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશની ૯૩ બેઠકો પર મતદાન હાથ ધરાશે.

લોક્સભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોક્સભાની ૨૬ પૈકી ૨૫ બેઠક પર મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની ૨૫ બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોક્સભાની ૨૫ બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ, દિગ્વિજય સિંહ, ડિમ્પલ યાદવ, સુપ્રિયા સુલે સહિત અનેક મોટા ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. અત્યાર સુધી દેશમાં લોક્સભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૯મી એપ્રિલે ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું,

ત્યારબાદ બીજા તબક્કાની ચૂંટણીમાં ૨૬ એપ્રિલે ૮૮ બેઠકો પર મતદાન થયું હતું, ત્યારબાદ હવે ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ થશે. જે બાદ ચોથા તબક્કાનું મતદાન આગામી ૧૩ મેના રોજ, પાંચમા તબક્કાનું ૨૦ મેના રોજ, છઠ્ઠા તબક્કાનું ૨૫ મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન આગામી ૧ જૂને થશે. જ્યારે ૪ જૂને મત ગણતરી થશે.

ત્રીજા તબક્કાના પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થયા છે તે પહેલા તમામ રાજકીય પક્ષોએ મતદારોને આકષત કરવાના પ્રયાસો કર્યા હતાં અને રેલીઓ રોડ શોનું આયોજન કર્યું હતું. ૭મી મે ના રોજ યોજાનારા મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.

જોકે, ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટ પર મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે અહીં છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ મતદાન થશે. મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ મતદાર જાગૃતિ અભિયાનના અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.