
યમનના ઉત્તરી સાદા પ્રાંતમાં સોમવારે અમેરિકાના હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા. આ હુમલો આફ્રિકન ઇમિગ્રન્ટ્સને રાખતા અટકાયત કેન્દ્ર પર કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, આ જેલમાં 115 કેદીઓ હતા, જેમાંથી 30 લોકોનાં મોત થયા હતા જ્યારે 50 ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
યમનના અલ મસિરાહ ટીવી દ્વારા જાહેર કરાયેલા હુમલાના ફૂટેજમાં સાદામાં અટકાયત કેન્દ્ર પર બોમ્બ ધડાકા પછી કાટમાળમાં અનેક મૃતદેહો પડેલા જોવા મળ્યા.સાદામાં જનરલ રિપબ્લિકન હોસ્પિટલે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ડઝનબંધ લોકો મૃત્યુ પામ્યા છે અને ઓછામાં ઓછા 50 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી
હાલમાં આ હુમલા અંગે યુએસ સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, હુમલાના સમાચાર સામે આવે તે પહેલાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેઓ તેમના બોમ્બમારા અભિયાન વિશે કોઈ માહિતી શેર કરશે નહીં.
“ઓપરેશનલ સુરક્ષા જાળવવા માટે, અમે ઇરાદાપૂર્વક અમારા વર્તમાન અથવા ભવિષ્યના ઓપરેશન્સની વિગતો વિશે શક્ય તેટલી ઓછી માહિતી શેર કરી છે,” સેન્ટકોમે જણાવ્યું. અમે અમારા અભિયાન અંગે ખૂબ જ સાવચેત છીએ, પરંતુ અમે શું કર્યું છે અથવા શું કરવાના છીએ તે જાહેર કરીશું નહીં.