
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 1લી મે એ ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી સવારે 10:06 કલાકે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રામદરબાર મંદિર પાસે, છબનપુર ખાતે ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે.
પંચામૃત ડેરી ખાતે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે. હાલોલમાં રૂબામીન પ્રા.લિ. કંપનીના લિથિયમ-આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે. સાંજે 6 વાગ્યે વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ અને બાઇક રેલી યોજાશે. એસઆરપી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાશે.

જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રીના હસ્તે રૂ. 649.77 કરોડના 86 વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાશે. આમાં માર્ગ અને મકાન, પંચાયત, આદિજાતિ, શિક્ષણ, બાગાયત, પશુપાલન, RTO અને નગરપાલિકા વિભાગોના કામોનો સમાવેશ થાય છે.
કલેક્ટરે જિલ્લાવાસીઓને કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.