
ગોધરા-વડોદરા હાઈવે પર કોઠી સ્ટીલ નજીક મધ્યરાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ રિપેરિંગની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર મૂકવામાં આવેલા કપચીના ઢગલા સાથે એક બાઇક અથડાઈ હતી. અંધારામાં કપચીના ઢગલા ન દેખાતાં આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રોડ રિપેરિંગની કામગીરી સ્થળે કોઈ સાવચેતીના સંકેતો કે લાઇટ્સ મૂકવામાં આવ્યા ન હતા.
સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, વાહનચાલકોની સલામતીની દરકાર કર્યા વિના કપચીના ઢગલા રસ્તા પર મૂકી દેવામાં આવ્યા હતા. હાલમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાઓની કામગીરી ચાલી રહી છે.પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. સલામતીના નિયમોના ઉલ્લંઘન અંગે એજન્સી સામે કાર્યવાહીની માગણી ઉઠી છે.