‘Go Back to India…’ કેનેડામાં ખાલિસ્તાનીઓએ નારા લગાવ્યા:8 લાખ હિન્દુને ભારત મોકલવાની માગ; મોદી-શાહનાં પૂતળાંને કેદી બનાવી ફેરવવામાં આવ્યાં

રવિવારે કેનેડાના ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુવિરોધી રેલી કાઢી હતી. આ રેલીમાં ખાલિસ્તાનીઓએ 8 લાખ હિન્દુને ભારત પાછા મોકલવા માટે નારા લગાવ્યા હતા. આ રેલી ટોરોન્ટોના માલ્ટન ગુરુદ્વારા પાસે કાઢવામાં આવી હતી.

આમાં એક મોટી ટ્રક પર જેલનું મોડલ બનાવવામાં આવ્યું હતું અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ. જયશંકરનાં પૂતળાં મૂકવામાં આવ્યાં હતાં. આ પૂતળાંને કેદીઓ તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં.ઉત્તર અમેરિકામાં હિન્દુ સમુદાયોના સંગઠન, કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ ​​નોર્થ અમેરિકાએ આ હરકતને શરમજનક ગણાવી.

ગયા મહિને મંદિરની દીવાલ પર ખાલિસ્તાની નારા લખવામાં આવ્યા હતા

ગયા મહિને 19 એપ્રિલે કેનેડાના સરે શહેરમાં લક્ષ્મીનારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાનતરફી સૂત્રો લખવામાં આવ્યાં હતાં. મંદિરની બહારની દીવાલો પર સ્પ્રે પેઇન્ટથી ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ફ્રી પંજાબ’ સહિત અન્ય ઉશ્કેરણીજનક સૂત્રો લખેલાં જોવા મળ્યાં.

એ જ દિવસે મંદિર દ્વારા સમગ્ર શહેરમાં નગર કીર્તન પણ કાઢવાનું હતું. ઘટના બાદ તરત જ મંદિર પ્રશાસને પોલીસને જાણ કરી અને FIR નોંધાવી. પોલીસ વિભાગે પણ આ ઘટનાને નફરતનો ગુનો ગણીને ફરિયાદ દાખલ કરી હતી.2025નું બૈસાખી નગર કીર્તન 20 એપ્રિલના રોજ સરેમાં યોજાયું હતું. એમાં લગભગ 5 લાખ શીખોએ ભાગ લીધો હતો. નગર કીર્તનમાં ખાલિસ્તાન સમર્થકોએ પણ ભાગ લીધો હતો. તેમણે ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યા અને માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સન્માનમાં સ્ટેજ પણ શણગાર્યો.

ઘણી જગ્યાએ ખાલિસ્તાનતરફી ધ્વજ, ભારતવિરોધી સૂત્રોચ્ચાર અને અલગતાવાદી ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. આમાંના કેટલાક ફ્લોટ્સ પર ખુલ્લેઆમ શીખ અલગતાવાદ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ ચહેરાઓ અને સૂત્રો દર્શાવવામાં આવ્યાં હતાં.

3 નવેમ્બર 2024ના રોજ કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરની મુલાકાત લેનારા લોકો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ધ્વજ હતા. તેમણે મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ પછી સ્થળ પર પહોંચેલી પોલીસે પણ ભક્તોને માર માર્યો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા આ હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને કેનેડિયન સરકાર તરફથી કાર્યવાહીની અપેક્ષા છે. આવી ઘટનાઓ આપણને નબળા પાડી શકે નહીં. એ જ સમયે વિદેશ મંત્રાલયે કેનેડિયન સરકારને પૂજા સ્થળોનું રક્ષણ કરવા અપીલ પણ કરી હતી.

બ્રેમ્પ્ટનમાં ભારતીય હાઈ કમિશને હિન્દુ સભા મંદિરની બહાર એક કોન્સ્યુલર કેમ્પ સ્થાપ્યો હતો. આ શિબિર ભારતીય નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્થાપવામાં આવી હતી. આમાં જીવન પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યાં હતાં.