દાહોદમાં CMએ MLAના લગ્ન પ્રસંગે હાજરી આપી:ભૂપેન્દ્ર પટેલે નવદંપતીને પુષ્પગુચ્છ આપી સફળ દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવી, કેદારનાથ મહાદેવને જળાભિષેક કર્યો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના ચોસાલા ખાતે આવેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે નવદંપતી કનૈયાલાલ કિશોરી અને સુમિત્રાબેનને પુષ્પગુચ્છ આપી સફળ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ, મુખ્યમંત્રીએ ચોસાલા ખાતે આવેલા પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ શિવલિંગ પર જળાભિષેક અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે ચોસાલા ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને નજીકના હેલિપેડ પર ઉતર્યા હતા. હેલિપેડ પર દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્નેહલ દરિયા, સાંસદ જસવંતસિંહ ભાભોર, પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ, ધારાસભ્ય રમેશ કટારા સહિત ભાજપના અન્ય નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

કેદારનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ જસવંતસિંહ ભાભોર, અગ્રણી રત્નાકર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેદારનાથ મહાદેવ મંદિરની પૌરાણિક મહત્તા અને આધ્યાત્મિક વાતાવરણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા પવિત્ર સ્થળોની મુલાકાતથી આંતરિક શાંતિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે.