એજાઝ ખાન પર લાગ્યો દુષ્કર્મનો આરોપ:અશ્લીલ શોના વિવાદ વચ્ચે મુંબઈની યુવતીએ કર્યો કેસ, કહ્યું- મારો વિશ્વાસ જીતી મારું શોષણ કર્યું હતું

તાજેતરમાં એજાઝ ખાનના નવા શો ‘હાઉસ અરેસ્ટ’ને લઈ વિવાદ ઊભો થયો છે. ઉલ્લુ એપ પર પ્રસારિત થતા આ શો પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો અને બજરંગ દળે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હજુ એક વિવાદ સમેટાયો નથી ત્યાં એજાઝ ખાન પર મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ મૂક્યો છે કે- એજાઝ ખાને ફિલ્મોમાં કામ આપવાના બહાને તેની સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ એજાઝ ખાન લગાવ્યો ગંભીર આરોપ પીડિત મહિલાએ જણાવ્યું હતું કે એજાઝ ખાને તેને તેના ‘હાઉસ અરેસ્ટ શો’માં હોસ્ટની ભૂમિકા આપવા માટે ફોન કર્યો હતો. શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એજાઝ ખાને પહેલા પીડિતાને પ્રપોઝ કર્યું અને બાદમાં ધર્મપરિવર્તન કરી તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. તે મહિલાના ઘરે ગયો અને તેની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યું. એ બાદ પીડિતાએ રવિવારે સાંજે ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક્ટરને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે ચારકોપ પોલીસે મહિલાની ફરિયાદના આધારે એઝાઝ ખાન પર ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 64, 64(2M), 69, 74 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલુ છે અને એજાઝને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

વિવાદોનું બીજું નામ એજાઝ ખાન ગુજરાતના અમદાવાદમાં જન્મેલા એજાઝ ખાન ‘દિયા ઔર બાતી હમ’ તેમજ ‘કરમ અપના અપના’ જેવા લોકપ્રિય શોમાં જોવા મળ્યો છે. તે ‘રક્ત ચરિત્ર’ અને ‘અલ્લાહ કે બંદે’ જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યો છે. એ જ સમયે જો આપણે એજાઝ વિશે વાત કરીએ તો તે વિવાદો સાથે ઊંડો સંબંધ ધરાવે છે. એજાઝ ખાન ડ્રગ્સ રાખવાના આરોપમાં જેલમાં ગયો છે. ‘બિગ બોસ 7’માં ભાગ લેનાર એજાઝ ખાન શોમાં રહીને પણ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો હતો.

તાજેતરમાં રિયાલિટી શો ‘હાઉસ અરેસ્ટ’ ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થઈ રહ્યો હતો, જે વિવાદાસ્પદ એક્ટર એજાઝ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. 29 એપ્રિલના રોજ શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી, જેમાં શોના હોસ્ટ એજાઝ ખાન મહિલા સ્પર્ધકોને તેમનાં કપડાં ઉતારવા માટે કહી રહ્યો છે. એટલું જ નહીં, તે છોકરીઓને કામસૂત્રના પોઝ આપવાનું કહે છે. તેની સૂચનાઓનું પાલન કરીને છોકરીઓ પોઝ આપવાનું શરૂ કરે છે. ક્લિપ વાઈરલ થયા પછી મહિલા આયોગ અને રાજકીય પક્ષોએ તાત્કાલિક શો અને તેના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

રાષ્ટ્રીય મહિલા આયોગે કડક વલણ અપનાવ્યું 2 મેના રોજ, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ કડક વલણ અપનાવ્યું અને ઉલ્લુ એપના CEO વિભુ અગ્રવાલ અને એક્ટર એઝાઝ ખાનને સમન્સ જારી કર્યા. કમિશને બંનેને 9 મે સુધીમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગનું કહેવું છે કે આવા શો મહિલાઓના ગૌરવના વિરુદ્ધ છે અને મનોરંજનના નામે જાતીય સતામણી સમાન છે. તેમણે કહ્યું હતું કે જો તપાસ દરમિયાન લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ થાય છે તો એ ભારતીય ન્યાય સંહિતા, 2023 અને માહિતી ટેક્નોલોજી અધિનિયમ, 2000 હેઠળ ગંભીર ફોજદારી કેસ બની શકે છે.

બજરંગ દળે આપી હતી ચેતવણી બજરંગ દળે ઉલ્લુ ડિજિટલ મીડિયાને પત્ર લખીને ચેતવણી આપી હતી કે જો બધા એપિસોડ જલદી ડિલિટ કરવામાં નહીં આવે તો તેઓ તેમની સામે પોતાની રીતે કાર્યવાહી કરશે. આ પછી ઉલ્લુ એપે માફી માગી છે.