
ખેડા જિલ્લાના માતર પંથકમાં 14 વર્ષની દીકરી પર બે લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાદ દીકરીને ગર્ભ રહેતા સમગ્ર મામલાને દબાવવા આ દુષ્કર્મ આચરનાર લોકોએ દબાણ કરીને ધમકીઓ આપી હતી અને છેવટે ગર્ભપાત કરાવી દેવાયો હતો. આ મામલે પીડિત પરિવારે લીંબાસી પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર બે લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી છે અને ગર્ભાપાત કરનાર ડોક્ટરની પૂછપરછ શરૂ કરી છે.
નરાધમોએ ડિસેમ્બર 2024માં દુષ્કર્મ આચર્યું માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામે દુષ્કર્મની ઘટના બની છે. ગામની 14 વર્ષની દીકરી પર રણજીત મેલા તળપદા અને કિરણ લક્ષ્મણ તળપદાએ આ નાબાલિક સાથે ડિસેમ્બર 2024માં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દીકરીને ગર્ભ રહ્યો હતો. દુષ્કર્મના કેટલાક સમયમાં દીકરી ગર્ભવતી બની હોવાનું ખુલાસો થતા પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું અને આ મામલે પૂછતા દીકરીએ સમગ્ર હકીકત પોતાની આપવીતી જણાવી હતી.
ત્યારબાદ આ આરોપીઓના પરિવારજનો દ્વારા મામલાને દબાવવા માટે પ્રયાસો કરાયા હતા અને પીડિતા અને તેના પરિવારજનોને ધમકાવી વસોના તબીબ પાસે લઈ જઈને ગર્ભપાત કરાવી દીધો હતો. જોકે આ મામલે પીડિતાના પરિવારે ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે અને સમગ્ર મામલે દુષ્કર્મ આચરનાર રણજીત મેલા તળપદા અને કિરણ લક્ષ્મણ તળપદા વિરુદ્ધ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ મામલે ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું કે, આ દુષ્કર્મના બનાવમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપક કરી છે. વસોના જે ડોક્ટરે ગર્ભપાત કર્યો છે તેણે કેવા સંજોગોમાં આ ગર્ભપાત કરાવ્યો છે તે બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે.